ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડી સૌરાષ્ટ્રના સમુદ્ર તટપર આવે છે, ત્યારે રાજધાની તરીકે નગરીના નિર્માણ માટે દૈદિપ્યમાન વિશાળ સાગરતટ પ્રદેશ પર એમની દ્રષ્ટિ ઠરે છે. એના નિર્માણ કાર્ય માટે શ્રી વિશ્વકર્મા પ્રભુને આહવાન કરવામાં આવે છે. જો સમુદ્ર દેવ દ્વારા રાજધાની દ્વારકાનગરીના નિર્માણ માટે થોડી ભુમી સમર્પિત કરવામાં આવે તો જ આ કાર્ય પાર પાડી શકાય તેમ શ્રી વિશ્વકર્મા દ્વારા જણાવાતા શ્રીકૃષ્ણ સમુદ્રદેવની આરાધના કરે છે. પ્રસન્ન થઇ સમુદ્રદેવ બાર જોજન જેટલી ભૂમિસમર્પિત કરે છે. તેના પર સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કરે છે. આ નગરી દ્વારાવતી તથા કુશસ્થલી નામથી પણ ઓળખાતી. અન્ય દંતકથા મુજબ શ્રીકૃષ્ણ જીવનના અંતે સોમનાથ પાસે ભાલકાતીર્થમાં પારધીના બાણથી ઘવાયા અને ત્રિવેણી સંગમ ખાતે દેહોત્સર્ગ કર્યો તે સમયે આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશને માટે સમાઇ ગઇ. તેમના નાનપણના મિત્ર સુદામાનું મિલન પણ દ્વારકાના બેટમાં થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણના સમય બાદ દ્વારકા ઉપર ગુપ્તવંશ, પલ્લવવંશ, ચાલુક્યવંશના રાજાઓ પણ રાજ કરી ગયા હતા.
ગોમતી નદી અને સિન્ધુસાગરના (અરબી સમુદ્ર) સંગમસ્થળે આવેલું દ્વારકા ખાસ તો તેના જગત મંદિર ખૂબ જ મશહૂર છે. આ મંદિર ૨૫૦૦ વર્ષ પુરાણું મનાય છે. મંદિર પાંચ માળ જેટલું, ૧૬૦ ફીટ ઉંચુ છે. મૂળ જૂનું મંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી વિશ્વકર્માએ માત્ર ચોવીસ કલાકમાં રચી દીધું હતુ, પણ તે મંદિર આજે હયાત નથી. હાલનું આ મંદિર પથ્થરોથી અને શિલ્પકળાથી સભર છે. આ મંદિરનો ઘુમ્મટ આઠ સ્તંભ પર
ગોઠવવામાં આવેલો છે. મંદિરની બહારની બાજુ પથ્થરની દિવાલો ઉપર બારીક કોતરકામ છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ ચાંદીના પતરાથી મઢેલા સિંહાસન ઉપર સ્થાપિત કરેલી છે. આ મૂર્તિ કાળા પથ્થરમાંથી ઘડવામાં આવેલી છે. જેને ચાર ભૂજાઓ છે.
દ્વારકાથી બે કિ.મી.ના અંતરે કૃષ્ણની પટરાણી રૂક્ષમણી દેવીનું સુપ્રસિધ્ધ ૧૬૦૦ વર્ષ પુરાણું સ્થાપત્ય કલાનું અદભૂત મંદિર આવેલું છે.
તેમજ દ્વારકાથી ૩૨ કિ.મી. ના અંતરે ઓખા નજીક સમુદ્રમાં બેટ દ્વારકા આવેલું છે.
No comments:
Post a Comment